નેરિયાના પુત્ર બારૂખે અમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે અને આ પ્રમાણે અમને કહેવા તને જણાવ્યું છે, જેથી અમે અહીં વસવાટ કરીએ અને બાબિલનું સૈન્ય આવે ત્યારે તે અમને મારી નાખે અથવા ગુલામો તરીકે અમને બાબિલ લઇ જાય.”
“તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે.”
પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ‘સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હું ચોક્કસ અહીં મિસરમાં લાવીશ. કારણ કે તે મારો સેવક છે. આ જે પથ્થરો મેં જડેલાં છે તેના પર હું તેનું સિંહાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો રાજવી મંડપ ઊભો કરશે.”
તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે.
તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે.