પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટોને પ્રતિષ્ઠા અપાવી.
કારણ કે ઇસ્રાએલ ફરીથી મહાન કહેવાશે, યહોવાએ પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેણીનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતાં આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતા આનંદ માણે છે તે મુજબ તેઓ તારી સંમુખ આનંદ કરે છે.
કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”
તેનું રાજ્ય વિશાળ હશે; ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવર્તતી હશે. તે દાઉદના રાજસિંહાસન ઉપર બેસશે. ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્યસત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી.સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે.
પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.
આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે, આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.
મનાશ્શાના વંશજો અને એફ્રાઇમના વંશજો એક બીજાને બચકાં ભરે છે અને બંને ભેગા થઇને યહૂદાને ખાવા ધાય છે, આને લીધે યહોવાનો રોષ ઓછો થયો નથી અને તેનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.