કેદારના અને નબાયોથનાં બધાં ઘેટાંબકરાં તારા વિધિવત યજ્ઞ માટે લાવવામાં આવશે અને યહોવાની યજ્ઞ વેદી પર તેને પ્રસન્ન કરવા બલિ તરીકે હોમાશે અને તે એના મહિમાવંતા મંદિરનો મહિમા વધારશે.
હા, એ તો દૂર દેશાવરના વહાણ ભેગાં થઇને આવે છે અને તાશીર્શના વહાણો એમાં આગળ છે. તેઓ તમારા દેવ યહોવાને નામે, તને મહિમાવંત બનાવનાર ઇસ્રાએલના પરમપવિત્ર દેવને નામે, તારા સંતાનોને સોનાચાંદી સાથે દૂર દૂરથી પાછાં આવે છે.”
યહોવા યરૂશાલેમને કહે છે, “વિદેશીઓ આવશે અને તારા નગરોના કોટને ફરી બાંધશે. અને તેમના રાજાઓ તારા ગુલામ બનશે. કારણ ક્રોધ ચઢતાં મેં તને પ્રહાર કર્યો હતો. પણ હવે હું મારી કૃપામાં તારા પર દયા કરીશ.
જેઓએ તારા પર ત્રાસ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને ‘યહોવાનું નગર’, ‘ઇસ્રાએલના પવિત્ર દેવનો મહિમાવંત પર્વત એવા નામથી તેઓ સંબોધશે.”‘
વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ તારું પોતાની માતાની જેમ પાલન કરશે, ત્યારે તને ખબર પડશે કે હું, યહોવા તારો તારક છું, હું યાકૂબનો મહાબળવાન દેવ, તારો રક્ષક છું.
હું તમને કાંસાને બદલે સોનું અને લોખંડને બદલે ચાંદી તેમજ લાકડાને બદલે કાંસુ અને પથ્થરને બદલે લોઢું આપીશ. તારા પ્રશાસક શાંતિ અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,
હવે પછી તને દિવસ દરમ્યાન પ્રકાશ માટે સૂર્યની કે રાત્રે પ્રકાશ માટે ચંદ્રની જરૂર નહિ રહે, કારણ, હું તારો દેવ યહોવા, તારો શાશ્વત પ્રકાશ બની રહીશ, અને તારો દેવ તારો મહિમા હશે.
છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે. ને જે નાનકડું ટોળું છે તે વૃદ્ધિ પામીને પરાક્રમી પ્રજા બનશે. હું યહોવા, સમયની સંપૂર્ણતાએ તે સર્વ પૂર્ણ કરીશ.”