હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો! હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો, જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેણે મને નામ આપ્યું હતું.
પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ. મેં મારી શકિત નકામી, વ્યર્થ વાપરી. તેમ છતાં, મને ખાતરી છે કે, યહોવા મને ન્યાય આપશે અને તે મને બદલો આપશે.”
“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો, જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને, પાછા એને ચરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:
જેને લોકો ધૃણાની નજરે જુએ છે, જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે, જે અન્યાયી શાસકોનો ગુલામ છે, તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે, “તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે, અને સરદારો પગે પડશે,” એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.
હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર; હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.
પરંતુ યહોવા કહે છે, “કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે? કદાચ માતા ભૂલી જાય, પણ હું તને નહિ ભૂલું.
જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો! તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે! હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે, “તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે, અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.
તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી, તું ખંડેરની ભૂમિ બની ગઇ હતી એ સાચું, પણ હવે તારા વતનીઓ માટે તારી સરહદ અત્યંત સાંકડી પડશે. અને તને ખેદાન-મેદાન કરી નાખનારાઓ તો દૂર ચાલ્યા ગયા હશે.
પછી તું મનમાં વિચાર કરશે, હું તો સંતાન વિહોણી ત્યકતા હતી, આ બધા બાળકો મને થયા શી રીતે? ‘હું તો એકલીઅટૂલી હતી, ત્યારે એમને ઉછેર્યા કોણે? એ આવ્યાં ક્યાંથી?”‘
યહોવા મારા દેવ કહે છે, “જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ. અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને અને તારી પુત્રીઓને ખભા પર બેસાડીને તારી પાસે પાછા લાવશે.
રાજાઓ તેમના પાલકપિતા થશે અને તેમની રાણીઓ તેમની ધાવ થશે. તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તમારા ચરણની રજ ચાટશે; ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી જ નિરાશ થશે નહિં.”
પણ યહોવા કહે છે કે, “જોરાવરના હાથમાંથી લૂંટનો માલ ઝૂંટવી લેવાશે જ, અને દુષ્ટના હાથમાંથી કેદીને છોડાવાશે જ. તારી સામે જેઓ લડતા હશે તે બધાની સાથે હું લડીશ અને તારાં બાળકોને હું પોતે બચાવીશ.
હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ અને જાણે દ્રાક્ષારસ પીધો હોય એમ તેઓ પોતાનું જ લોહી પીને છાકટા બનશે, અને આખી માનવજાતને ખાતરી થશે કે હું, યહોવા તારો તારક અને ઉદ્ધારક અને યાકૂબનો મહાન પરાક્રમી દેવ છું.”