યહોવા કહે છે, “બેલને નમાવી દીધું છે,નબો વિરોધ કરે છે, તેમની મૂર્તિઓ ઢોરો પર લાદવામાં આવી છે, જે મૂર્તિઓને તમે માથે લઇને ફરતા હતા તે અત્યારે થાકેલાં જનાવરો પર ભારરૂપે લદાઇ છે.
તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.
એવા પણ કેટલાક લોકો છે, જેઓ કોથળીમાંથી સોનું ઠાલવે છે અને ચાંદી ત્રાજવે તોળે છે અને સોનીને રોકે છે, તે તેમાંથી મૂર્તિ ઘડે છે અને એ લોકો તેને પગે લાગી તેની પૂજા કરે છે.
તેઓ તેને પોતાના ખભે ઉપાડીને ફેરવે છે અને તેને સ્થાને તેની સ્થાપના કરે છે. તે ત્યાં જ ઊભી રહે છે, ત્યાંથી તે કદી ખસી શકતી નથી. કોઇ તેને ઘા નાખે તો એ ઉત્તર આપતી નથી, કે નથી તેને સંકટમાંથી ઉગારી શકતી.
તમે માનો છો કે વિજય દૂર છે, પણ હું વિજય નજીક લાવી રહ્યો છું. એ દૂર નથી. હું જે મુકિત લાવનાર છું તેમા હવે વિલંબ થાય એમ નથી. હું સિયોનને મુકત કરીશ, અને મારા ગૌરવ સમા યરૂશાલેમ તથા ઇસ્રાએલને હું પુન:સ્થાપિત કરીશ.”