શું માટી કુંભારને કહી શકે, ‘તું શું બનાવે છે?’ અથવા ‘તારા બનાવેલા કૂંજાને હાથા નથી?’ જે બાપને પૂછે કે, તેઁ કોને જન્મ આપ્યો છે? અને સ્ત્રીને કહે કે, ‘તું કોને જન્મ આપવા કષ્ટાય છે, તેને અફસોસ!”‘
મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે. અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે. મેં મારા પોતાને હાથે જ આકાશને ફેલાવ્યું છે અને મારી આજ્ઞાથી જ નક્ષત્રમંડળ ચાલે છે.
મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે, અને હું એની આગળ માગોર્ સીધા અને સપાટ કરીશ. એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે. એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે: “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ તેમજ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે.” તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે. અને કહેશે,દેવ તારી સાથે જ છે, એના સિવાય બીજો કોઇ દેવ નથી.”
યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે આ પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.”
યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.
આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય.
“મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.