લાખીશથી આશ્શૂરના રાજાએ મુખ્ય સંદેશવાહકને મોટા લશ્કર સાથે રાજા હિઝિક્યા પાસે યરૂશાલેમ મોકલ્યા, અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, અને રાજાને તેડાવ્યો;
એટલે ઇસ્રાએલના હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો કારભારી હતો, રાજાનો મંત્રી શેબ્ના તથા આસાફનો પુત્ર જે નોંધણીકાર હતો, યોઆહ તે બધાં સાથે મળીને નગરની બહાર તેને મળવા ગયા.
મિસર ઉપર? મિસર તો ભાંગેલું બરું છે; જે કોઇ એનો આધાર લે છે તેના હાથ ચિરાઇ જાય છે મિસરનો રાજા તો એવો છે જે કોઇ તેના પર વિશ્વાસ રાખે છે તેના એવા હાલ થાય છે.
તમે કદાચ એમ કહેશો કે, “અમે તો અમારા દેવ યહોવા પર આધાર રાખીએ છીએ.” પણ તમારા એ જ દેવનાં ઉચ્ચસ્થાનોને અને વેદીઓને હિઝિક્યાએ જ હઠાવી દીધાં છે અને યહૂદા અને યરૂશાલેમના લોકોને એમ જણાવ્યું કે, ‘તમારે એક જ વેદી આગળ ઉપાસના કરવાની છે.”
એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે વડા અમલદારને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીમાં બોલો. અમે એ ભાષા સમજીએ છીએ. કોટ ઉપરના લોકોના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો.”
પણ સંદેશવાહકે પ્રત્યુત્તર આપ્યો, “કેવળ તું અને તારો માલિક જ નહિ પરંતુ યરૂશાલેમમાં વસનારા દરેક વ્યકિત આ સાંભળે તેવું મારા ધણી ઇચ્છે છે, કારણ કે તેઓ પોતાની વિષ્ટા ખાવા માટે અને પોતાનો પેશાબ પીવા માટે નિયત થયેલા છે.”
એની વાત સાંભળશો નહિ, હું આશ્શૂરનો રાજા તો એમ કહું છું કે, “મારી સાથે સંધિ કરો, મારે તાબે થાઓ; તો તમારામાંના એકેએક જણ પોતાની દ્રાક્ષનીવાડીનાં અને અંજીરીના ફળ ખાવા પામશે અને પોતાની ટાંકીનું પાણી પીવા પામશે;
પરંતુ સાવધ રહેજો! હિઝિક્યા તો તમને કદાચ એમ કહીને ગેરમાગેર્ દોરે છે કે, ‘યહોવા આપણું રક્ષણ કરશે.’ બીજી પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો?
હમાથ અને આર્પાદની મેં કેવી દશા કરી હતી તે શું તમને યાદ નથી? શું તેઓના દેવો તેઓને બચાવી શક્યા? અને સફાર્વાઇમ તથા સમરૂનનું શું થયું? તેઓના દેવો હાલ ક્યાં છે?
પછી મહેલના મુખ્ય કારભારી હિલ્કીયાના પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને નોંધણીકાર આસાફના પુત્ર યોઆહે દુ:ખના માર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, અને હિઝિક્યા પાસે જઇને સંદેશવાહકે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.