યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;
દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: “એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.
જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”
કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.
એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે.
તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.
તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.
જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.
જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;
પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.
આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.