જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે.
આથી શાપ પૃથ્વીને ભરખી રહ્યો છે અને એમાં વસનારાઓ પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે. આથી પૃથ્વીની વસ્તી ઘણી ઘટી ગઇ છે અને માત્ર થોડાં જ માણસો બચવા પામ્યા છે.
પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ” તેમ સાંભળીશું પણ અફસોસ! “હું તો ક્ષીણ થતો જઉં છું, મારા માટે કોઇ આશા નથી. દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.
જે ડર લાગે તેવા સમાચારથી જેઓ દૂર ભાગી જાય છે, તેઓ ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંસલામાં સપડાશે.” આકાશમાંથી મૂસળધાર વરસાદ વરસશે, પૃથ્વીના પાયા હચમચી જશે.
પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે, તોફાનમાં ફસાયેલા તંબુની જેમ ઝોલા ખાશે, પૃથ્વીના પાપનો ભાર વધી ગયો છે, તેનું એવું પતન થશે કે પછીથી તે ફરીથી ઊઠી શકશે નહિ.