યહોવા કહે છે, “હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો, ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા, કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.
વિદેશીઓના દેવોની સેવા કરવાથી તેઓનું સાર્મથ્ય હણાઇ જાય છે. છતાં તેની ખબર એમને પડતી નથી. તેમના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી કે, તેઓ કેટલા નબળા અને ઘરડા થઇ ગયા છે.
એ લોકો જ્યાં જશે હું તેમના પર મારી જાળ પાથરીશ અને પકડાયેલા પંખીઓની જેમ તેમને નીચે જમીન પર ખેચી લાવીશ. હું તેમને પ્રબોધકોએ જે શબ્દો કહ્યાં હતા તે પ્રમાણે સજા કરીશ.
તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી; તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે. અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે, તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી, સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે. તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.