અમે નદીને કિનારે એકઠા થયા જે આહવા તરફ વહેતી અને ત્યાં ત્રણ દિવસ માટે પડાવ નાખ્યો. તે દરમ્યાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ એક પણ લેવી નોંધાયો ન હતો.
તેથી મેં અલીએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ તથા લેવી આગેવાનોને તેડાવ્યા. વળી મેં યોયારીબ અને એલ્નાથાન બોધકોને પણ બોલાવ્યા, કારણકે તેઓ ખૂબ અભ્યાસી માણસો હતા.
અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા, અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા તેના જાતભાઇઓને અમારા દેવનાં મંદિર માટે સેવકો મોકલવા કહેવડાવ્યું.
અને અમારા પર દેવની કૃપા હતી. એટલે તેમણે અમારી પાસે નીચે પ્રમાણે સેવકો મોકલ્યા:ઇસ્રાએલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઇઓ અને તેના પુત્રો, કુલ 18 પુરુષો. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.
અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસની જાહેરાત કરી, જેથી અમે અમારા દેવની આગળ પોતાને નમ્ર બનાવીએ; અમે પ્રાર્થના કરી કે તે અમારું, અમારા બાળકોનું તથા અમારા સામાનનું મુસાફરી દરમ્યાન રક્ષણ કરે.
શત્રુઓથી માર્ગમાં અમારું રક્ષણ કરવા માટે રાજા પાસે પાયદળના સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને શરમ આવી. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઇ દેવની આરાધના કરે છે તેના પર દેવ પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે, પણ જે કોઇ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેનો ભયંકર કોપ ઉતરે છે.”
મેં તે બધું સોનુ ચાંદી અને બીજી વસ્તુઓનું વજન કર્યુ જે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધાં ઇસ્રાએલીઓએ દેવના મંદિર માટે આપ્યું હતું.
અને મેં તે યાજકોને કહ્યું, “તમે યહોવાને સમપિર્ત થયેલા છો, તેમ આ વાસણો પણ યહોવાને સમપિર્ત થયેલા છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના દેવ યહોવાને સ્વેચ્છાએ ધરાવેલી ભેટ છે.”
મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; મંદિરે પહોંચો ત્યાં સુધી એનું રક્ષણ કરજો. ત્યાં યહોવાના મંદિરના ભંડારના ઓરડાઓમાં યાજકોના અને લેવીઓના આગેવાનો તથા યરૂશાલેમના ઇસ્રાએલીઓનાં કુટુંબના વડાઓની સમક્ષ વજન કરીને સોંપી દેજો.”
અમે પહેલા મહિનાને બારમે દિવસે આહવા નદીથી યરૂશાલેમ આવવા ઊપડ્યા. અમારા પર દેવની કૃપાષ્ટિ હતી અને તેણે માર્ગમાં દુશ્મનોનાં હુમલાથી અને ચોર લૂંટારાથી અમારું રક્ષણ કર્યુ.
રાજાનો હુકમ ફાત નદીની પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમજ પ્રશાશકોને જણાવવામાં આવ્યો અને તે નેતાઓએ લોકોને અને દેવના મંદિરના કામમાં ઘણો જ સહકાર આપ્યો.