આ રીતે તેઓ રોજ તેને પૂછતા હતા અને તે તેમની વાત સાંભળતો નહોતો, તેણે તેઓને એટલું જ કહ્યું કે, “હું એક યહૂદી છું.” તે લોકોએ આ બાબતની જાણ હામાનને કરી, એ જાણવા માટે કે, તે મોર્દખાયની વર્તણૂંક સહન કરે છે કે કેમ.
રાજા અહાશ્વેરોશના અમલના બારમા વર્ષ પહેલા એટલે કે નીસાન મહિનામાં હામાને ફાંસીનો દિવસ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમો દિવસ પસંદ થયો.
ત્યારે હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાંની બીજી પ્રજાઓ વચ્ચે એક પ્રજાના લોકો પ્રસરેલા છે; બીજા બધા લોકો કરતાં તેમના રીત રિવાજો જુદા છે અને તેઓ આપ નામદારના કાનૂનો સુદ્ધાં માનતા નથી. તેમને નભાવી લેવા તે તમારા હિતમાં નથી.”
ત્યારબાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામોનની આજ્ઞાઓ પ્રમાણે અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના આગેવાનો પર, અર્થાત્ પ્રત્યેક પ્રાંતની લિપિમાં અને પ્રત્યેક પ્રાંતની ભાષામાં અને અહાશ્વેરોશ રાજાને નામે તે આદેશો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધા પ્રાંતોમાં મોકલવામાં આવ્યા જેમાં આજ્ઞા હતી કે, બારમા એટલે કે અદાર મહિનાના તેરમા દિવસે એક જ દિવસમાં બધાં જ યહૂદી જુવાન અને વૃદ્ધો સ્ત્રી-પુરુષો સહિતની હત્યા કરવામાં આવે અને તેમને સાફ કરી નાખવામાં આવે, તેમની માલમિલકત લૂંટાઇ જવી જોઇએ.
સંદેશાવાહકોએ આ હુકમનામાની જાહેરાત સૌપ્રથમ સૂસાનાં પાટનગરમાં કરી. પછી સંદેશવાહકો આ આદેશપત્રોને દરેક પ્રાંતમાં આપવા ગયા. સૂસાનું સમગ્ર નગર ભયભીત થઇ ગયું અને મુંઝવણમાં મૂકાઇ ગયું. પણ રાજા અને હામાન દ્રાક્ષારસ માણી રહ્યાં હતાં.