દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!
જો કોઇ મનુષ્યને 100 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું.
કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?