દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે.
તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.
તમે તમારી જાત પાસે પાપ કરાવવા દેતા નહિ, દેવના દૂતને તમે એમ કહેતા નહિ કે તમારાથી ભૂલમાં વચન અપાઇ ગયું હતું, કારણ કે એ દેવને હજી વધારે ગુસ્સે કરાવશે. અને કદાચ તમારી સમૃદ્ધિ નષ્ટ કરશે.
જો તમે ગરીબો પર થતાં અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊઁધા વાળતા અતિશય ત્રાસને જુઓ, તો તે વાતથી આશ્ચર્ય પામશો નહિ, કારણ કે પ્રત્યેક અધિકારી તેનાથી ઊંચા અધિકારીના હાથની નીચે છે અને ઊંચો અધિકારી તેના પર દેખરેખ રાખનારની નજર હેઠળ છે.
માતાના ગર્ભાશયમાંથી મનુષ્ય નગ્નસ્થિતિમાં બહાર આવે છે અને જાય છે ત્યારે એ જ સ્થિતિમાં વિદાય લે છે. સખત પરિશ્રમ કરીને જે કાંઇ પ્રાપ્ત કર્યુ છે તેમાંથી તે કઇં પણ સાથે લઇ જતો નથી.
જુઓ, મને મનુષ્યનાં માટે જે બાબત સારી લાગી તે એ છે કે, દેવે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું પીવું, અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી; કારણ કે એ જ તેનો ભાગ છે.
અને જો મનુષ્યને દેવ તરફથી સંપત્તિ પ્રાપ્ત થાય અને તેના ઉપભોગ માટે સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય તે વધારે સારું છે. તેથી તેને પોતાના કામમાં આનંદ માણવો અને તેને મળતો ભાગ સ્વીકારવો -ખરેખર આ જ સાચી દેવ તરફથી મળતી ભેટ છે.