પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.
મેં પુરુષ નોકરો અને સ્ત્રી નોકરો ખરીદ્યાઁ. મારા ઘરમાંજ જન્મેલાં ગુલામો પણ મારી પાસે હતા. અગાઉ થઇ ગયેલા રાજાઓ પાસે હોય તેનાથીય ઘણાં વધારે ઢોરઢાંખરાં મારી પાસે હતાં.
મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી .
આ રીતે હું બળવાન અને શકિતશાળી થયો. અને જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયા હતાં તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારા જ્ઞાને મને આ બાબતો કરવા માટે શકિતમાન કર્યો.
મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.
ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા તે પર, અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા હવામાં બાચકાં ભરવા જેવું દેખાયું અને દુનિયા ઉપર મને કઇં લાભ દેખાયો નહિ.
હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે.
ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ, ત્યારે મને તેનાં કરતાં વધારે બુદ્ધિમાન હોવામા શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ નિરર્થક છે.
કોઇ કહી શકશે ખરું કે મારો વારસ જ્ઞાની થશે કે મૂર્ખ? છતાં જેના માટે મેં આ દુનિયામાં પરિશ્રમ કર્યો અને મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેનો ધણી તે બનશે. પરંતુ આ પણ વ્યર્થતા છે.
મનુષ્ય પોતાના જીવનમાં ડાહપણ, જ્ઞાન તથા કુશળતાથી પોતાના કામ કરે, પણ એ સર્વ એક દિવસ એવી વ્યકિતના હાથમાં જશે જેણે તેના માટે કઇ કામ કર્યું નથી. કોઇ પણ જાતની કિંમત ચૂકવ્યાં વિના તે વારસ બને છે.આ વ્યર્થતા છે અને સાથે અન્યાય છે.
તેથી આખરે હું આ નિર્ણય પર આવ્યો છું કે માણસે સંતોષથી ખાવું, પીવું અને પોતાના દૈનિક કામમાં આનંદ માણવો, તેનાં કરતાં વધારે સારું બીજું કશું નથી. પછી મને ખ્યાલ આવ્યો કે આ પ્રમાણે વસ્તુઓ દેવ જ બનાવે.
જે લોકો દેવને પ્રસન્ન કરે છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે અતિ ભારે પરિશ્રમ આપે છે તેથી તે સંગ્રહ કરે અને ધનવાન બને, અને જેઓ દેવને પ્રસન્ન કરે છે તેઓને માટે તે ધન મૂકીને જાય, અહીં પણ આપણે વ્યર્થ તથા નિરર્થક હવામાં બાચકાં ભરવા જેવું કરીએ છીએ.