Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Daniel Chapters

Daniel 2 Verses

Bible Versions

Books

Daniel Chapters

Daniel 2 Verses

1 રાજા નબૂખાદનેસ્સારને પોતાના રાજ્યકાળના બીજા વર્ષ દરમ્યાન એક ભયાનક સ્વપ્ન આવ્યું; તે ભયથી ધ્રુજી ગયો, તેની ઊંઘ હરામ થઇ ગઇ.
2 તેથી રાજાએ પોતાના સ્વપ્નનો અર્થ સમજાવવા માટે તાત્કાલિક પોતાના બધા જાદુગરો, મંત્રવિદ્યા જાણનારાઓ, અને ભવિષ્યવેત્તાઓને બોલાવવા હુકમ કર્યો. તેઓ રાજા આગળ આવીને ઊભા રહ્યા.
3 એટલે રાજાએ તેમને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અને મારો જીવ એનો અર્થ જાણવા આતુર છે.”
4 એ લોકોએ અરામી ભાષામાં કહ્યું, “રાજા સદા માટે રહો. રાજા ઘણું જીવો, આપ આ સેવકોને આપનું સ્વપ્ન જણાવો એટલે અમે તેનો અર્થ તમને જણાવી શકીએ.”
5 રાજાએ ખાલદીઓને કહ્યું, “સ્વપ્ન મારા સ્મરણમાંથી જતું રહ્યું છે, મને તે યાદ રહ્યું નથી, તમે મને એ સ્વપ્ન તથા તેનો અર્થ નહિ કહો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે. અને તમારાં ઘર તોડીને ઇંટો અને કાટમાળનાં ઢગલાઓમાં ફેરવી નાખવામાં આવશે.
6 પરંતુ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો હું તમને ભેટો ઇનામો અને માનપાનથી આમંત્રીશ. માટે તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
7 ત્યારે તેમણે બીજી વાર કહ્યું, “આપ અમને સ્વપ્ન જણાવો અને અમે આપને તેનો અર્થ જણાવીશું.”
8 રાજાએ કહ્યું, “હું સ્પષ્ટ જોઇ શકું છું કે, તમે વખત મેળવવા ઇચ્છો છો, કારણ, તમે જાણો છો કે, મારો નિર્ણય પાકો છે.
9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમને બધાને એક જ સજા થશે. તમે અંદરોઅંદર નક્કી કર્યું છે કે, મારી આગળ તરકટ કરવું, એવી આશાએ કે, જતે દહાડે પરિસ્થિતિ પલટાઇ જાય. આથી તમે મને સ્વપ્ન કહો એટલે હું સમજીશ કે, તમે એનો પણ અર્થ કહી શકશો.”
10 ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી.
11 આપ અમારી પાસે જે જાણવા માંગો છો તે એવું મુશ્કેલ છે કે, દેવો સિવાય કોઇપણ કહી ન શકે. અને દેવો માણસોની વચ્ચે રહેતા નથી.”
12 આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઇ ગયો. તેનો રોષ ભભૂકી ઉઠયો અને તેણે બાબિલના બધા સલાહકારોનો વધ કરવાની આજ્ઞા કરી.
13 આથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધાં રાજકીય સલાહકારોની હત્યા કરવાની છે. અને તે મુજબ દાનિયેલને અને તેના સાથીઓને હત્યા કરવા માટે લઇ આવવા માણસો મોકલવામાં આવ્યા.
14 રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું,
15 “સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?”ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી.
16 તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, ‘આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ.
17 પછી દાનિયેલે ઘરે જઇને તેના સાથીદારો હનાન્યા, મીશાએલ, અને અઝાર્યાને સર્વ વાત સમજાવી.
18 અને તેણે તેઓને કહ્યું, આપણે સ્વર્ગાધિપતિ દેવને પ્રાર્થના કરીએ, જેથી તે દયા લાવીને આપણને આ રહસ્યનો ભેદ જણાવે, અને આપણે બાબિલના રાજકીય સલાહકારો ભેગા મરવું પડે નહિ.
19 ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.
20 “આવનારા યુગો સુધી દેવની સ્તુતિ થાઓ! એ જ જ્ઞાન અને શકિતનો ભંડાર છે.
21 કાળનો અને ઋતુચક્રનો એ જ નિયામક છે. એ જ રાજાઓને પદષ્ટ કરે છે અને ગાદીએ બેસાડે છે. જ્ઞાનીને જ્ઞાન અને વિદ્વાનને વિદ્યા આપનાર છે.”
22 તે માણસના ઊંડા રહસ્યોને ખુલ્લા કરે છે. તે જાણે છે કે, અંધારામાં શું છે. પ્રકાશ તેની સાથે રહે છે.
23 હે મારા પિતૃઓના દેવ, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કારણ, તમે જ મને જ્ઞાન અને શકિત આપી છે, તમે મને રાજાનું સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો છે.
24 પછી બાબિલના બુદ્ધિમાન માણસોને મારી નાખવાનો હુકમ જેને મળ્યો હતો, તે આર્યોખ પાસે દાનિયેલ ગયો અને કહ્યું, “તેઓને મારી નાખીશ નહિ, મને રાજા પાસે લઇ જા અને હું તેમને સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”
25 આર્યોખ તે જ સમયે દાનિયેલને રાજા સમક્ષ લઇ ગયો અને બોલ્યો, “મને યહૂદાના બંદીઓમાંથી એક માણસ મળી આવ્યો છે, જે આપને આપના સ્વપ્નનો અર્થ બતાવી શકશે.”
26 આથી રાજાએ દાનિયેલને કહ્યું, “મેં સ્વપ્નમાં શું જોયું હતું અને તેનો અર્થ શો, એ તું મને કહી શકશે?”
27 દાનિયેલે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “આપ નામદાર જે રહસ્ય જાણવા માંગો છો, તે આપને કોઇ વિદ્વાન, મંત્રવિદ, જાદુગર, કે, ભવિષ્યવેત્તા કહી શકે તેમ નથી.
28 પરંતુ આકાશમાં એક દેવ છે, જે રહસ્યો ખુલ્લા કરે છે અને તેણે આપ નામદાર નબૂખાદનેસ્સારને ભવિષ્યમાં શું થવાનું છે તે દર્શાવ્યું છે. આપે આપની ઊંઘમાં જે સ્વપ્ન જોયું હતું, જે સંદર્શન તમે નિહાળ્યું હતું તે આ છે:
29 આપને ભવિષ્યના વિચારો આવ્યા હતા: અને તે જે રહસ્યો જણાવે છે, તેણે ભવિષ્યમાં શું થવાનું છે, તે આપને જણાવ્યું હતું.
30 દેવે મારી મારફતે રહસ્ય પ્રગટ કરાવ્યું, તેનું કારણ એ નથી કે, હું બીજા માણસો કરતાં વધારે જ્ઞાની છું, પણ એટલા માટે જણાવવામાં આવ્યું છે કે, જેથી આપ નામદારને એની જાણ થાય અને આપ આપને આવેલા વિચારો સમજી શકો.
31 “આપ નામદારને જે સ્વપ્ન આવ્યું; તેમાં આપે એક મોટી મૂર્તિ જોઇ હતી. એ પ્રચંડ અને ઝગારા મારતી મૂર્તિ આપની સમક્ષ ઉભી હતી અને તેનો દેખાવ ભયંકર હતો.
32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું; તેની છાતી અને હાથ ચાંદીના હતાં. તેના પેટ અને જાંધો કાંસાના હતાં.
33 તેના પગ લોખંડના હતાં. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
34 આપ એ મૂર્તિ ઉપર મીટ માંડી રહ્યાં હતાં ત્યાં કોઇના અડ્યા વગર જ પર્વતમાંથી એક પથ્થર છૂટો પડ્યો અને મૂર્તિની લોખંડ અને માટીની બનેલી પાનીઓ ઉપર પછડાયો અને પાનીઓનાં તેણે ચૂરેચૂરો કરી નાખ્યા,
35 એ પછી લોખંડ, માટી, કાંસા, ચાંદી અને સોનું બધાંના ટુકડેટુકડા થઇ ગયા અને ઉનાળામાં અનાજ ઝૂડવાના ખળામાંના ભૂસાની જેમ પવન તેમને એવો તો ઉડાડીને લઇ ગયો કે, ક્યાંય તેમનું નામોનિશાન ન રહ્યું. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઇ ગઇ.
36 “આ હતું તમારું સ્વપ્ન; હવે અમે તમને તેનો અર્થ જણાવીશું:
37 હે નામદાર, આપને સ્વર્ગાધિપતિ દેવે રાજ્ય, સત્તાં, ગૌરવ અને ખ્યાતિ આપ્યાં છે.
38 અને તેમણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતાં બધાં માણસો, પશુઓ અને પંખીઓને સોંપ્યા છે, અને આપને એ સૌના રાજા બનાવ્યા છે. એ સોનાનું માથું આપ છો.
39 “આપના રાજ્યકાળનો અંત આવશે. ત્યારે બીજી મહાસત્તા તમારું સ્થાન લેવા આવશે. તે આપના કરતાં ઊતરતી કક્ષાની હશે. તે સામ્રાજ્યના પતન પછી એક ત્રીજું કાંસાનું સામ્રાજ્ય ઉદય પામશે, જે આખી પૃથ્વી ઉપર રાજ્ય ચલાવશે.
40 ત્યાર પછી, ચોથો રાજા લોખંડ જેવો મજબૂત હશે. તે ભાંગીને ભૂકો કરનાર, કચડી નાખનાર અને વિજય મેળવનાર હશે.
41 “તમે જોયું હતું કે, પગ અને અંગુઠાનો થોડો ભાગ લોખંડનો અને થોડો ભાગ માટીનો હતો. એનો અર્થ એ કે, એ રાજ્યના ભાગલા પડી ગયા હશે. આપે માટી સાથે લોખંડ ભળેલું જોયું હતું એમાં અમુક અંશે લોખંડનું બળ હશે.
42 આ અંગુઠા થોડાં લોખંડના અને થોડા માટીના હતાં, તેથી લોખંડ જેવા મજબૂત હશે અને માટી જેવા નબળાં હશે.
43 વળી આપે જોયું હતું કે, માટી સાથે લોખંડ ભળેલું હતું તેમ તેઓ એકબીજા સાથે લગ્નસંબંધ બાંધી મજબૂત બનવા પ્રયત્ન કરશે, પરંતુ લોખંડ અને માટી એકબીજા સાથે મળી શકતાં નથી, તેમ તેઓ પણ ભેગાં રહી શકશે નહિ.
44 “એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.
45 “તમે જોયું હતું કે, કોઇનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર કપાઇ ને બહાર પડતો હતો અને તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તેનો આ અર્થ છે. આમ મહાન દેવે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. આ જ તમારું સ્વપ્ન છે અને આ જ તેનો સાચો અર્થ છે.”
46 એ પછી રાજા નબૂખાદનેસ્સારે દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેને અર્પણ અને સુગંધીઓનો ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી.
47 રાજાએ કહ્યું, “હે દાનિયેલ, સાચે જ તારા દેવ સર્વ દેવોનાં દેવ છે, તે રાજાઓ ઉપર રાજ કરે છે અને રહસ્યોને ખુલ્લા કરનાર, જણાવનાર છે. તેમણે જ તારી સામે આ રહસ્ય પ્રગટ કર્યું છે.”
48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી.
49 દાનિયેલે રાજાને વિનંતી કરી એટલે તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાબિલના પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ પોતે રાજાના દરબારમાં ન્યાયાધીશ તરીકે સેવા આપતો હતો.

Daniel 2:37 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×