તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના દિવસો પૂરા થવાની રાહ જુઓ છો, જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો અને તમારાં ખોટાં ત્રાજવાં અને વજનીયાનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકો;
તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ. તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય તેમ તમે ટાટ પહેરશો અને શોકની નિશાની તરીકે માથાના વાળ મુંડાવશો; તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”
આ યહોવાના વચન છે: “જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ; તરસ લાગશે પણ પાણીની નહિ, યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.