કાલ્નેહ નગર જઇને જુઓ, ત્યાંથી મહાન હમાથનગર જાઓ, અને ત્યાંથી પલિસ્તીઓના ગાથ શહેરમાં જાઓ, એ રાજ્યો કરતાં તમારી દશા શું સારી છે? અથવા તેમનો વિસ્તાર તમારા કરતાં શું વિશાળ છે?
મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:“હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં. અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે. એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ, આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”
મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”અને તે જવાબ આપશે, “ના.”ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.”
શું ઘોડો ખડક માર્ગ પર દોડી શકે? શું બળદ ખડકો પર ખેડી શકે? એવું પૂછવું તે પણ મૂર્ખતા છે. તમે તો તેના કરતા પણ વધારે મૂર્ખ હતા? તમે ન્યાયને વિકૃત કરીને ઝેર જેવો બનાવ્યો છે અને દુષ્ટ વાતવરણ પેદા કર્યુ છે. અને પ્રામાણિકતાના ફળોને કડવા બનાવ્યા છે.