હિઝિક્યા રાજાએ તેઓની પાસેથી સંદેશો સાંભળ્યો ત્યારે તરત જ તેણે પોતાનાં વસ્ત્રો ફાડયાં. ત્યાર પછી તેણે શણનાં વસ્ત્રો પહેર્યાં પછી તે યહોવાના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો.
તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા.
તેમણે જઈને કહ્યું, હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: “આજે અમારા માટે દુ:ખનો દિવસ છે, સજાનો અને નામોશીનો દિવસ છે; કેમ કે બાળક જન્મવા તૈયાર છે, પણ તેને જન્મ આપવાની શકિત માતા પાસે નથી, એવી અમારી દશા છે.
આશ્શૂરના રાજાએ પોતાના સેનાપતિઓને અમારા યહોવાની મશ્કરી કરવા મોકલ્યા છે. તમારા દેવ યહોવા તેના શબ્દો સાંભળો અને તેને સજા કરે, તેથી હવે બાકી રહેલાઓ માટે પ્રાર્થના કરો.”
“તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે, તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે, “યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.”
પછી હિઝિક્યાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે, હે ઇસ્રાએલના દેવ યહોવા, “જેમનું આસન કરૂબના દેવદૂતો પર છે, પૃથ્વી પરનાં સર્વ લોકોના દેવ તમે એકલા જ છો, તમે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છો.
અને તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે! પણ એ દેવો નહોતા, એ તો માણસોના હાથની બનાવેલી વસ્તુ, ફકત પથ્થર અને લાકડાં હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો.
પછી આમોસના પુત્ર યશાયાએ હિઝિક્યાને સંદેશો પહોંચાડયો કે, “ઇસ્રાએલના દેવ યહોવા આમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરૂદ્ધ મને પ્રાર્થના કરી હતી. મેં તારી પ્રાર્થના સંભળી છે.”
તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે:“સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે; યરૂશાલેમની પુત્રીએ તારા તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.
“તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું. પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે. મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા, અને વગડાના છોડ જેવા, કુમળાં ઘાસ જેવા, ધાબા પર ઊગી નીકળેલાં, ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
મારા પર ક્રોધ કરવાને લીધે હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું અને તારા મોંમા લગામ નાખવાનો છું અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું તને પાછો વાળી દેવાનો છું.”
પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, ‘આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો.
“એટલે આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ પ્રમાણે છે, “તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે; તેમ તે એની સામે બાણ પણ નહિ વીંધે, ઢાલ લઈને એની સામે નહિ આવે, તેમ એની સામે મોરચો નહિ બાંધશો ઘેરો ઘાલવાનો ઢોળાવ પણ નહિ બાંધો.
એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના પુત્રો આદામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી ‘અરારાટ’ દેશમાં ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદોન તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કર્યું.