Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Kings Chapters

2 Kings 18 Verses

Bible Versions

Books

2 Kings Chapters

2 Kings 18 Verses

1 ઇસ્રાએલના રાજા એલાહના પુત્ર હોશિયાના શાસનના ત્રીજા વષેર્ આહાજનો પુત્ર હિઝિક્યા યહૂદાનો રાજા થયો.
2 તે રાજા થયો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ અબીયા હતું અને તે ઝખાર્યાની પુત્રી હતી.
3 તેણે પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય એવું આચરણ કર્યુ.
4 તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું; આ તો ફકત કાંસાનો ટૂકડો છે.
5 તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો.
6 તે યહોવાને સંપૂર્ણ નિવાન હતો અને નિવાનીમાં તે કદી ચલિત થયો નહોતો, અને યહોવાએ મૂસાને જણાવેલી આજ્ઞાઓનું તે પાલન કરતો હતો.
7 આથી યહોવા તેની મદદમાં રહ્યાં અને તે જે કોઈ જવાબદારી સ્વીકારતો, તેમાં સફળ થતો, તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી સ્વીકારવાની ના પાડી.
8 તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા.
9 યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વષેર્, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ.
10 તેણે તે 3વર્ષ પછી કબજે કર્યું. ઇસ્રાએલમાં, રાજા હોશિયા તેના શાસનના 9માં વર્ષમાં હતો અને તે વષેર્ રાજા હિઝિક્યા તેના યહૂદા પરના શાસનના છઠ્ઠા વર્ષમાં હતો. તે સમય દરમ્યાન, સમરૂન નગરનું પતન થયું.
11 તે વખતે આશ્શૂરનો રાજા ઇસ્રાએલી લોકોને પકડીને લઈ ગયો. તેણે તેઓને આશ્શૂરના નગર હલાહમાં, ગોઝાન પ્રદેશમાં, હાબોર નદીના કિનારા પર અને માદીઓનાં નગરોમાં વસાવ્યા.
12 આમ થવાનું કારણ એ હતું કે તેઓ પોતાના દેવ યહોવાની આજ્ઞા માનતા નહોતા અને યહોવાના કરારનો તેમજ યહોવાના સેવક મૂસાએ જણાવેલી એકેએક આજ્ઞાઓનો ભંગ કરતા હતા. તેઓએ પોતાના યહોવા દેવની વાણી સાંભળી નહિ અને તેમની ઇચ્છા મુજબ ચાલ્યા નહિ.
13 હિઝિક્યાના અમલના 4માં વષેર્ આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો પર ચડાઈ કરીને તે કબજે કરી લીધાં.
14 ત્યારે યહૂદાના રાજા હિઝિક્યાએ લાખીશ સુધી પહોંચેલા આશ્શૂરના રાજાને સંદેશો મોકલ્યો કે, “મારી ભૂલ થઈ છે, તું મારી પાસેથી પાછો જા, તું જે શરતો મારી આગળ રજૂ કરીશ તેનો હું સ્વીકાર કરીશ.”આથી આશ્શૂરના રાજાએ 11 ટન ચાંદીની અને એક ટન સોનાની વસુલી માગી લીધી.
15 હિઝિક્યાએ તેને યહોવાના મંદિરમાંની અને રાજમહેલના ભંડારમાંથી બધી ચાંદી આપી દીધી;
16 તે સમયે તેણે, યહોવાના મંદિરમાં સોનાના પતરાંથી મઢેલા બારણાં અને બારસાખોને કાપી નાખ્યાં, તેણે તે બધુંય આશ્શૂરના રાજાને આપી દીધું.
17 લાખીશથી આશ્શૂરના રાજાએ સેનાપતિઓને, અને તેના મહત્વના અમલદારોને વિશાળ લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને ઘોરી માર્ગ પર આવેલા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો,
18 અને રાજાને તેડાવ્યો; એટલે રાજાના મહત્વના અમલદારો હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો મુખ્ય કારભારી હતો, રાજયમંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર યોઆહ જે નોંધણીકાર હતો એ સૌને તેમણે મળવા મોકલ્યા.
19 સેનાપતિઓએ તેમને કહ્યું કે, હવે તમે હિઝિક્યાને જઈને કહો કે, આશ્શૂરનો રાજા કહે છે કે,“તને આટલો બધો આત્મવિશ્વાસ શેનાથી છે?
20 શું તું એમ સમજે છે કે, ખાલી મોઢાની વાતો, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળનું સ્થાન લઈ શકે છે? તું કોનો આધાર રાખીને મારી સામે બંડ પોકારે છે?
21 મિસરીઓ ઉપર? મિસર તો ભાગેલા બરુ જેવું છે; જે કોઈ એનો આધાર લે છે તેમના હાથ કપાઈ જાય છે. મિસરના રાજા ફારુનનો વિશ્વાસ કે આધાર રાખી શકાય નહિ.”
22 અને કદાચ તમે એવું કહો, ‘અમને મુશ્કેલીઓ અને પીડામાંથી બચાવવા માટે અમે યહોવા પર વિશ્વાસ રાખીએ છીએ,’ તો શું એ તમે નહોતા કે જેણે, ઉચ્ચસ્થાનો, જ્યાં યહોવાને યજ્ઞો કરાતાં હતાં તેનો નાશ કર્યો? અને એ તમે નહોતા કે, જેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું હતું કે, તેઓએ ફકત યરૂશાલેમમાં પૂજા કરવી જોઇએ?”
23 તેથી હવે હું તમને કહું છું, “મારા ધણી આશ્શૂરના રાજા સાથે સોદો કરી શકે તેવા 2,000 સૈનિકો તમારી પાસે હોય તો હું તમને 2,000 ઘોડા આપવા તૈયાર છું.
24 તમે મારા ઘણીના સેવકોનાં એક પણ કપ્તાનને કેવી રીતે હરાવી શકો? જો તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો તો?
25 તમે શું એમ માનો છો કે, હું આ દેશને ખેદાન-મેદાન કરવા ચઢી આવ્યો છું. તે યહોવાની સંમતિ વગર આવ્યો હોઈશ? યહોવાએ પોતે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરી એને ખેદાનમેદાન કરી નાંખ.”
26 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે સેનાપતિઓને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીભાષામાં બોલો, અમે એ ભાષા સમજીએ છીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો. કારણ કે બધા લોકો જેઓ દિવાલ પર છે તેઓ સમજી જશે કે તમે શું કહી રહ્યાં છો!”
27 પણ સેનાપતિએ કહ્યું, “શું અમારા રાજાએ મને તમારી સાથે અને તમારા રાજાની સાથે જ વાત કરવા મોકલ્યો છે? તેણે મને આ કોટ પરના લોકોને પણ કહેવા મોકલ્યો છે. કારણ કે તેમણે પણ તમારી જેમ પોતાનાં મળમૂતર પર જીવવું પડશે.”
28 પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો:
29 રાજા કહે છે, “હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’
30 હિઝિક્યાને અનુમતિ ન આપશો કે, તે તમને યહોવા પર આધાર એમ કહીને રખાવે, “યહોવા ચોક્કસપણે આપણને બચાવશે અને આ નગરનું આશ્શૂરના રાજાના હાથે પતન નહિ થાય.”
31 તમે હિઝિક્યા રાજાનું ચોક્કસ સાંભળશો નહિ, કારણકે આશ્શૂરનો રાજા કહે છે કે, “મારી સાથે સુલેહ કરો અને મારી પાસે આવો. પછી તમે દરેક તમારા પોતાના દ્રાક્ષના વાડાના અને અંજીરના ઝાડોના ફળનો આનંદ માણશો. અને તમારા પોતાના કૂંવાનું પાણી પીશો.”
32 ત્યાં સુધી અહીં તમારા દેશમાં તમે શાંતિથી રહી શકો છો. ત્યાર પછી હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં લઇ જઇશ, અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતુન અને મધનો દેશ-તમે આમ કરો જેથી તમે મરશો નહિ પણ જીવી જશો પણ જ્યાંરે હિઝિક્યા રાજા તમને કહે કે, યહોવા તમને ઉગારશે તો તેને સાંભળશો નહિ.
33 કોઈ પણ પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો?
34 હમાથ અને આર્પાદના દેવો કયાં છે? કયાં છે સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહના દેવો? એ દેવો સમરૂનને મારા હાથમાંથી છોડાવવા સમર્થ હતા ખરા?
35 આ બધા દેશોના દેવોમાંથી કયા દેશના દેવો પોતાના દેશને મારા હાથમાંથી છોડાવી શક્યા? તો કેવી રીતે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવશે?”
36 બધા લોકો મૂંગા રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. કારણ, રાજાએ હુકમ કર્યો હતો કે, “કોઈ એને જવાબ ન આપશો.”
37 મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.

2-Kings 18:19 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×