યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમપિર્ત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.
ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.
વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા: “દેવ ઉત્તમ છે! તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.”