થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો.
આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો એ તમારા જ સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.”
તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?” તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”
ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.” યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”
ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા બાદશાહી પોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ બે સિંહાસન પર બેઠેલા હતા. બધા પ્રબોધકો પોત પોતાનો સંદેશો, એક મોટી ખુલ્લી જગ્યામાં તેમની સામે આપી રહ્યાં હતા.
એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.”
મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું જ ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”
મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?” મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”
એટલે મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને ભરવાડ વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વેરવિખેર થઇ ગયેલા જોયા છે, અને મેં યહોવાને બોલતા સાંભળ્યાં છે કે, ‘એ લોકોનો કોઇ ધણીધોરી નથી. તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જતા.”‘
મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો;” મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા.
મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”
ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.
રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં.
પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”