તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
ઘણા લાંબા સમયથી ઇસ્રાએલી લોકોએ સાચા દેવની પ્રાર્થના કરી ન હતી, અને તેઓને તે વિષેનું શિક્ષણ આપવા માટે ત્યાં કોઇ યાજક ન હતો. દેવના નિયમશાસ્ત્ર અનુસર્યા વિના તેઓ જીવન પસાર કરતા હતા.
જ્યારે આસાએ દિવ્યવાણીના વચનો ઓદેદની ભવિષ્યવાણીમાં સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના દેશમાંથી તથા જે શહેરો તેણે એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં જીતી લીધાં હતા, તે બધામાંથી ઘૃણાસ્પદ મૂર્તિઓને હઠાવી દીધી. અને યહોવાના મંદિરની સામેની વેદી તેણે ફરી બંધાવી.
ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.
તે બધા ખૂબ આનંદમાં હતા; કારણકે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી અને સંપૂર્ણ ઇચ્છાથી દેવ સાથે આ કરાર કર્યો હતો. અને દેવને સર્વશ્રેષ્ઠ સ્થાન આપીને યહોવાને શોધ્યા. તે તેઓને મળ્યા; અને તેમણે તેઓને ચોતરફ શાંતિ આપી અને સલામતી બક્ષી.
આસાએ પોતાની દાદી માઅખાહને પણ રાજમાતા પદેથી ષ્ટ કરી, કારણકે તેણે અશેરાહની પૂજા માટે અશ્લીલ મૂર્તિ કરાવી હતી. આસાએ તે મૂર્તિને તોડી, તેના ભૂક્કેભૂક્કા કરી નાખ્યા અને કિદ્રોનની ખીણમાં સળગાવી દીધી.