આથી દાઉદે યોઆબને અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ અને બેર-શેબાથી દાન સુધી સમગ્ર ઇસ્રાએલની વસ્તી ગણતરી કરો. અને પછી આવીને જણાવો કે, મારી પ્રજાની વસ્તી કેટલી છે.”
પરંતુ યોઆબે વાંધો લેતા જણાવ્યું, “યહોવા પ્રજાની વસ્તીને બમણી કરે તોયે, એ બધા આપ નામદારના સેવકો જ નથી? આપ શા માટે ઇસ્રાએલને દોષી ઠરાવવા ચાહો છો? અને તમે ઇસ્રાએલને અપરાધી શા માટે ઠેરવો છો?”
ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”
એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”
પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.
દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા.
અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.”
ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. આ બળદોનું પણ દહનાર્પણ કરજો, આ ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને આ ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું જ આપને સોંપી દઉં છું.”
પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”
અને ત્યાં યહોવાને માટે તેણે વેદી બાંધી અને તેના પર તેણે દહનાર્પણ કર્યુ. તેણે તેની પર શાઁત્યર્પણ કર્યુ અને યહોવાનું આવાહન કર્યું. વેદી પર અગ્નિ ઉતારીને યહોવાએ તેને જવાબ આપ્યો.