આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે. આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ, જ આપણને વધારે ધીરજવાન બનાવે છે.
આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. ‘પવિત્ર આત્મા’ દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ ‘પવિત્ર આત્મા’ આપણને પ્રાપ્ત થયો છે.
ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો.
બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય.
હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેવથી વિમૂખ હતા, ત્યારે દેવે પોતાના દીકરાના મૃત્યુ દ્વારા આપણને મિત્રતા બક્ષી. જ્યારે હવે આપણે દેવના મિત્રો છીએ ત્યારે તે આપણને સૌને તેના દીકરાના જીવન દ્વારા બચાવશે.
પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું. આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો.
એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી.
આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે.
એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.
એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે.
પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.